આજે આપણે અમૂલ કંપનીની સ્થાપના વિશે જાણીશું કે, કઈ કોણ એ બે મહાન વ્યક્તિ હતા જેમનાં લીધે આજે ભારતને અમૂલ કંપનીની ભેટ મળી. આ વાત છે આઝાદ ભારત પહેલાની જ્યારે વર્ષ ૧૯૪૫ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂઘ કોન્ટ્રાક્ટરો દ્રારા એકત્ર કરી મુંબઇ દૂધ યોજનામાં મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો.
આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા ૪ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ. ત્રિભુવનદાસપટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યો, જેના પરિપાકરૂપે ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપનાની સાથે તારીખ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ “અમૂલ” નો જન્મ થયો.
હવે તમે વિચારશોકે ત્રિભુવનદાસ કોણ હતા?
અમે આપને જણાવીએ કે, ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં થયો હતો. અમદાવાદમાં ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં અભ્યાસ દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આવ્યા અને આજીવન ગાંધીવાદી રહ્યા. તેમણે સ્વતંત્રતાની લડાઈમાં ઝંપલાવ્યું અને ગાંધીજી સાથે અસહકારની લડત, ગ્રામીણ વિકાસ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવી રાષ્ટ્રીય અને સામાજિક ચળવળોમાં ભાગ લીધો હતો. વર્ષ 1948થી 1983 સુધી ‘હરિજન સેવક સંઘ’ના અધ્યક્ષ રહેલા ત્રિભુવનદાસ પટેલને 1930માં ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહમાં સામેલ થવા બદલ જેલ થઈ. તેમની જ આદર્શ નિષ્ઠાથી આકર્ષાઈને કુરિયન ‘અમૂલ’માં જોડાયેલ.
ડૉ. કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કાલિકટ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઇન્ડિયા (હવે કોઝિકોડ, કેરળ)માં એક સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.જ્યારે ડો. કુરિયન 13 મે 1949ના રોજ ભારત પરત ફર્યા ત્યારે સરકાર દ્વારા તેમની નિમણૂક પ્રાયોગિક ક્રીમરી, આણંદ, ગુજરાતમાં કરવામાં આવી હતી. ડો. કુરિયને આ નોકરી અધવચ્ચે જ છોડી દેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ત્રિભુવનદાસ પટેલે તેમને એમ કરતા અટકાવ્યા કારણ કે તેમણે ખેડાના તમામ ખેડૂતોને તેમના દૂધની પ્રક્રિયા કરવા અને વેચવા માટે સહકારી મંડળીમાં ભેગા કર્યા હતા.
ડો.કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો, અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો, અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો. આજે અમૂલ ડેરી વિશ્વ ફલકે પ્રસિદ્ધ થઈ છે.