ગુજરાતીઓને મળ્યું અનોખું ફરવાનું સ્થળ! હવે વાઘા બોર્ડર જોવા માટે પંજાબ જાવું નહીં પડે…
દરેક વ્યક્તિ પોતાના જીવનના વ્યસ્ત સમયગાળામાં ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને તો ઉનાળાના સમયમાં વેકશનનો માહોલ છવાયેલો રહે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાત પ્રવાસન ક્ષેત્ર ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને પ્રવાસન સ્થળોને ખૂબ જ વિકાસાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ ભારત-પાક. સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફનો (BSF) પ્રથમઅત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
હવે ગુજરાતમાં આવતા પર્યટકોને વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળશે.125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સીમા દર્શન ગુજરાતીઓ અને દેશ વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સ્થાનમાં નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે.
સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.
બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે. તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.
બનાસકાંઠા સ્થિત ભારત-પાકિસ્તાનની નડાબેટ સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી દ્વારા વિવિધ સુવિધાઓ અને આકર્ષણોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પ્રવાસીઓને દેશની રક્ષા માટે સતત ખડેપગે રહેનાર વીર જવાનોના શૌર્યને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થશે pic.twitter.com/jv8Ps4iz1Y
— CMO Gujarat (@CMOGuj) April 10, 2022