આપણ રસોડામાં જ એવા ઘણા મસાલાઓ છે, જે ઉત્તમ ઔષધિઓનું કામ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે રોજીદા જીવનમાં ઉપયોગમાં લેવાતા તીખા ક્યાં ક્યાં રોગમાં ઉપયોગી છે, તે જાણો. કાળાં મરી તીખાં, તીક્ષણ, ગરમ, પચવામાં હલકાં, રૂચિ ઉત્પન્ન કરનાર, શોષક, ભૂખ લગાડનાર, શિરોવિરેચનીય, કૃમિનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. યુનાની મત મુજબ મરી નાડીને બળ આપનાર, જઠરાગિનને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મૂત્ર અને માસિકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે.
૧/૨ ચમચી કાળા મરીનું ચૂર્ણ, ૧/૨ ચમચી ઘી, ૧ ચમચી મધ અને ૧ ચમચી સાકર મિશ્ર કરી ચાટવાથી બધા પ્રકારની ખાંસી મટે છે. દમ-શ્વાસમાં પણ આ પ્રયોગ ખૂબ હિતાવહ છે. કાળા મરી અને લીડીપીપરનું ચૂર્ણ બે-બે ચમચી, દાડમની છાલનું ચૂર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને ૧૫૦ ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી ગોળી બનાવવી. એને મરીચયાદિવટી કહે છે. આ ર-ર ગોળી સવાર, બપોર અને રાત્રે ચૂસવાથી કફના રોગો મટે છે.
મરી, ચિત્રક અને સંચળના સમભાગે બનાવેલા ચુર્ણને મરીચયાદિ .િ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લેવાથી અજીર્ણ, અપચો, મંદાગિન મટે છે. ગાયના દહીંની છાસ સાથે લેવાથી સંગ્રહણી અને અતિસારમાં પણ એ ખૂબ લાભકારક છે. સોપારી જેટલા ગોળ સાથે ૧/૪ ચમચી કાળા મરીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી જૂની શરદી અને સળેખમ મટે છે. સંઠ, મરી અને પીપરનું ચૂર્ણ નાખી બનાવેલો દૂધનો ઊકાળો સવાર-સાંજ પીવાથી શરદી-સળેખમ મટે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી